



(અન્વી ત્રિવેદી-અમદાવાદ)
ગુજરાતના મહાનગરોમાં જો કોઇ વિકટ સમસ્યા વકરતી હોય તો તે છે ટ્રાફિકની ! ટ્રાફિકના નિયમોમાં ફેરબદલ કરવાં છતાં..! નિયમો કડક કરવા છતાં તેનો નિયમનમાં અને ટ્રાફિક ઓછા થવામાં તે મદદ થતું નથી. ભલે કરોડો રૂપિયા ખર્ચીને નવા રોડ કે ફલાય ઓવર બનાવામાં આવી રહ્યા છે. પણ છતાં ટ્રાફિકની સમસ્યા નો હલ નથી આવતો ! આપણેે અમદાવાદમાં જોઇએ કે કયાં નવા ફલાય ઓવર બન્યા કે જે થી ટ્રાફિકની સમસ્યા ઓછી કરી શકાય..
માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યાને દૂર કરવા અમદાવાદમાં બનશે 7 નવા ઓવરબ્રીજ પરંતુ અમદાવાદ મહાનગરમાં સાત નવા ફલાય ઓવરબ્રીજ નિર્માણ માટે કુલ 335 કરોડ ના કામો પૈકિ આ વર્ષ માટે 10 ટકા પ્રમાણે 33.5 કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ મહાનગરમાં 7 નવા ઓવરબ્રીજ, રિવરબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી દરખાસ્તને અનુમોદન આપી કુલ 335 કરોડ પૈકી આ વર્ષે 10 ટકા પ્રમાણે 33.5 કરોડ રૂપિયા મહાનગરપાલિકાને આપવામાં આવશે. અમદાવાદ મહાનગરમાં જે 7 ફલાય ઓવર માટે મુખ્યમંત્રીએ નાણાં ફાળવ્યા છે તેમાં વિવેકાનંદનગર રીવરબ્રીજ, વાડજ જંકશન ફલાય ઓવરબ્રીજ, પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રીજ, પ્રગતિનગર જંકશન ફલાય ઓવર બ્રીજ, સતાધાર જંકશન ફલાય ઓવરબ્રીજ, ઘોડાસર ફલાય ઓવરબ્રીજ તેમજ નરોડા પાટિયા જંકશન ફલાય ઓવરબ્રીજ નો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમદાવાદ મહાનગરમાં માર્ગો પરના વાહન યાતાયાત ટ્રાફિકને હળવો કરવામાં આ ઓવરબ્રીજનું નિર્માણ મહત્વપૂર્ણ બની રહેશે. રાજયના 2019-2020 ના અંદાજપત્રમાં અમદાવાદ મ્યુનિ. કોર્પો. વિસ્તારમાં 20 ફલાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવેલી હતી. આ 20 ફલાય ઓવરબ્રીજ પૈકીના 7 બ્રીજ બનાવવા માટે સરકાર દ્વારા 10 ટકા પ્રમાણે રકમ ફાળવેલ છે. રાજકોટમાં ટ્રાફિક સમસ્યા કયારે હલ થશે ?
રંગીલા રાજકોટ અને સ્માર્ટ સીટી સાથે ચિત્રનગરીની ઓળખ ધરાવતા રાજકોટમાં દિન પ્રતિદિન વધતી જતી વાહનોની સંખ્યા બીજી તરફ પાર્કિંગ સ્થળોએ થયેલા દબાણોને લીધે ટ્રાફિક સમસ્યા વિકરાળ અને દિશાવિહીન બની રહે છે. એક તરફ ટ્રાફિક સમસ્યા છે. તો બીજી તરફ ટ્રાફિકનાં નિયમોનો આડેધડ અમલ થતાં વાહન ચાલકો દંડનો વિના કારણ ભોગ બની રહ્યા છે. ટ્રાફિક સમસ્યામાં જાગૃતિ ટ્રાફિક..ટ્રાફિક..ટ્રાફિક.. રસ્તે ના ચાલો ત્યાં ટ્રાફિક નડશે, પેલા રસ્તેનાં ચાલો ત્યાં ટ્રાફિક તમે જ કહો કયાં રસ્તે ટ્રાફિક નથી. રંગીલા સ્માર્ટ સીટીમાં ટ્રાફિક સમસ્યા હવે રોજિંદી અને વ્યવહાર બની છે ગમે તે મુખ્ય માર્ગોમાં પસાર થાય તમારે વાહન કયાં પાર્ક કરવું તે મોટી સમસ્યા છે. છાશવારે વાહન ચાલકે આડેધડ પાર્કિંગ કરતા ટ્રાફિક જામ થતો હોય છે. તેવા સમયે ટ્રાફિકનો દોષ ટ્રાફિક પોલીસપર ઢોળી દેવામાં આવે છે. પરંતુ વાહનચાલકે પોતાનું વાહન આડેધડ પાર્ક ન કરવું જોઇએ. રાજકોટમાં પણ દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે. બીજી તરફ ટ્રાફિક નિયમનનો ભંગ, વિના કારણ દંડની વસુલાત જેવી બાબતો રોજબરોજની બની છે કે શું ?
ટ્રાફિક નિવારણ માટે જાગૃતિ કેમ દાખવાતી નથી ? મુખ્ય માર્ગોમાં અનેક કોમ્પ્લેક્ષ, બિલ્ડીંગોમાં પાર્કિંગ સ્થળોએ દુકાનોના બાંધકામ થવા છતાં મનપા કે ટ્રાફિક શાખા કશું કરી શકતી નથી. માત્ર ને માત્ર વાહન ચાલકો સાથે ગુનેગારની માફક વર્તન કરવામાં આવે છે. રોજબરોજ વાહન સાથે ખરીદી કરવા નીકળવું અવશ્ય બન્યું છ.
ત્યારે ટ્રાફિક શાખાએ પાર્કિંગનું જરૂરી નિયમન કરાવવું જોઇએ નહીં કે માત્ર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું. દુકાન સામે વાહનોના પાર્કિંગ વ્યાજબી ? ઘણી વખત અનેકવિધ બજારોમાં ગીચતા વચ્ચે દુકાનોની સામે વાહન પાર્કિંગ થતા વેપારી વચ્ચે ફુટપાથની જગ્યા હોવા છતાં ગીન્નાઇ ઉઠે છે. દુકાનની સામે વાહન પાર્ક કરવું ગેરવ્યાજબી છે પરંતુ દુકાનની સામે ફુટપાથ પછી વાહન પાર્ક થતું હોવા છતાં વેપારી અને વાહન પાર્ક કરવા દેતા નથી. પરિણામે વાહન ચાલકોને બજારમાં ખરીદી વખતે વાહન પાર્કિંગની સમસ્યા વિકરાળ બને છે. સમસ્યા પાર્કિંગ કયાં કરવું ? મહાનગર વિસ્તારમાં આવેલા શહેરના હૃદયસમા વિસ્તાર કાલાવડ રોડ (કે.કે.વી. ચોક), ઇન્દિરા સર્કલ, કોટેચા ચોક, યાજ્ઞીક રોડ, 150 ફૂટ રોડ ઉપર ટ્રાફિક શાખા દ્વારા વાહન પાર્કંગ ની કોઇપણ જાતની જાણકારી તથા ગાઇડ લાઇન વગર વાહનો ટોઇંગ કરવામાં આવે છે. ટ્રાફિક શાખા દ્વારા પુરતું જ્ઞાન આપવામાં આવવું જોઇએ. તેમજ નો પાર્કિંગ વિસ્તારમાં પટ્ટા મારી નિર્દેશ કરવો જોઇએ. તેના બદલે આડેધડ વાહન પાર્કિંત તો નિયમ માની વાહન ચાલકો પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે.
નો પાર્કિંગ ની જેમ પાર્કિંગ ના બોર્ડ કયારે ? વિવિધ વિસ્તારમાં માર્ગોમાં નો પાર્કિંગ ઝોન વાળા બોર્ડ સ્થળે કે આસપાસ કોઇપણ વાહન ચાલકો વાહન પાર્ક કરતા નથી. પરંતુ જે સ્થળે માર્ગની સાઇડમાં વાહનો પાર્ક થાય છે ત્યાં માર્ગની સાઇડમાં પટ્ટા દોરી પાર્કિંગ ઝોન કેમ જાહેર કરવામાં ટ્રાફિક શાખા જાગૃતિ દાખવતી નથી. માત્ર વાહન પાર્ક કરનારને ટ્રાફિકની કશી ગતાગતમ પડતી નથી તેવા નિયમો દર્શાવી ટ્રાફિક પોલીસ દંડ વસુલી રહી છે તે શું ? ઉચિત છે ?
ટ્રાફિક પોલીસ માર્ગની સાઇડમાં પટ્ટા દોરી ટુ વ્હીલ, થી્ર વ્હીલ, ફોર વ્હીલ ના પાર્કિંગ જાહેર કરવા જોઇએ. જે આજદિન સુધી પુરતા થયા જ નથી. છાશવારે માર્ગોમાં ટ્રાફિકના લીધે ઝઘડાઓ, એકસીડન્ટો સર્જાતા હોય છે. છાશવારે માર્ગોમાં ટ્રાફિકના લીધે માર્ગોી ગલીઓમાં, કોમ્પ્લેક્ષની દિલાવ પાસે વાહન પાર્ક કરે તો બિલ્ડીંગના રહીશો માર્ગ પણ પોતાના નામે લખી આપ્યો હોય તેમ વાહનોને હટાવી લેવા બુમો મચાવે છે. આવા નિયમ કયાં ના ? કોઇપણ બિલ્ડીંગ કોમ્પ્લેક્ષ ના પ્રવેશદ્વાર સામે વાહન અડચણ થાય તે રીતે ગેરવ્યાજબી છે પણ તેની દિવાલ પાસે વાહનવો રાખવા ગેરકાયદેસર નથી છતાં આવા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસના દંડનો ભોગ બનવું પડે છે.
રાજકોટમાં કયા કયા વિસ્તાર અને રોડ ઉપર અનહદ ટ્રાફિક સમસ્યા :
રાજકોટમાં જોવા જઇએ તો સામાન્ય રીતે કેનાલ રોડ, બસ સ્ટેન્ડ પાછળ અને આગળનો વિસ્તાર, ત્રિકોણ બાગ, લીમડા ચોક, યાજ્ઞીક રોડ, ફુલછાબ ચોક, આમ્રાપાલી, હનુમાન મઢી ચોક, રૈયા ચોકડી, માધાપર ચોકડી, કેકેવી સર્કલ, ઇન્દિરા ચોક, મવડી ચોકડી, નાના મૌવ ચોક, ઉપરાંત જયાં જયાં સિગ્નલો મુકવામાં આવ્યા છે ત્યાં ત્યાં તો અનહદ ટ્રાફિક સમસ્યા બેવડી બની છે. રાજકોટ શહેરમાં રસ્તાઓ નાના અને વાહનો વધુ તેના કારણે તેમજ આડેધડ સાઇડ સીગ્નલો બનાવી દેવામાં આવેલ છે તેના કારણે વધુ ટ્રાફિક સમસ્યા બની છે. ટ્રાફિક સિગ્નલો ઉપર લાખો રૂપિયાના ડિઝલ, પેટ્રોલનો ધુમાડો થતો જાય છે. ટ્રાફિક સિગ્નલ ત્રણ વખત બંધ ચાલુ થાય ત્યારે લોકો ત્યાંથી પસાર થઇ શકે છે. સુરતમાં પાર્કિંગ ની સમસ્યા હલ થશે ? મહાનગરની સુચિત પાર્કિંગ પોલીસી મંજુર
સુરત ગુજરાતમાં વસ્તીના ધોરણે રાજયનું સૌથી મોટું બીજા ક્રમે આવતું શહેર છે. હિરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગોમાં 10 લાખ લોકોને રોજગાર આપે છે. એટલું જ નહિ. આ મહાનગર 65 કિ.મી. વિસ્તારમાં બીઆરટીએસ માર્ગ રોજના 35 હજારથી વધુ મુસાફરો વહન કરે છે. અને સાડા સાત લાખ જેટલા લોકો ઓટો રીક્ષા માં અવર જવર કરે છે.
છેલ્લા દસકામાં વિપૂલ પ્રમાણમાં વાહન નોંધણી અને વપરાશને પરિણામે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે રાજય સરકાર પાર્કિંગ પોલીસી માટે ગંભીરતાપૂર્વક વિચારાધિન છે.
મુખ્યમંત્રીના દિશાનિર્દેશ અનુસાર રાજયના શહેરોમાં ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થાની સરળતા માટે રાજયવ્યાપી ઝુંબેશ પણ સરકારે હાથ ધરેલી છે. હવે સુરત, મહાનગરમાં સુચિત સુઆયોજિત પાર્કિંગ પોલીસીને મુખ્યમંત્રીએ મંજુરી આપતાં મહાનગરોમાં ટ્રાફિક અને પાર્કિંગ ની સમસ્યા નિવારણમાં મહત્વપૂર્ણ ડગ રાજય સરકારે માંડયું છે.
સુરત મહાનગરની આ સુચિત પાર્કિંગ પોલીસી અન્વયે રાષ્ટ્રીય શહેરી વાહન વ્યવહાર નીતિ ને ધ્યાને રાખી ખાસ આયોજન પ્રીમીયમ વિસ્તાર અને માર્ગ પરના એટલે કે ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટેના દરો નિયત કરાયા છે. આ દરોમાં અલગ અલગ વાહનો, ત્રિ ચક્રી, દ્વી ચક્રી, મોટરકાર, હળવા તથા ભારે વ્યાપારી વાહનો માટે સમય મુજબ દરો નકકી કરવામાં આવ્યા છે તે જ રીતે આવા વિસ્તારો માટે ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટેની સગવડો પણ દર વસુલ લઇને ઉપલબ્ધ કરવામાં આવશે.
વાહન માલિકો પોતાના આવાસ કામકાજના સ્થળે પ્રાપ્ત પાર્કિંગ વપરાશ માટે વાર્ષિક કે અર્ધવાર્ષિક દર ચૂકવી પાર્કિંગ અને વપરાશની રજા ચીઠ્ઠી મેળવી શકશે, તેવી જોગવાઇ પણ આ સુચિત પાર્કિંગ પોલીસીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. વાહન વ્યવહાર અને હાઇવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કરવામાં આવતા દંડની રકમ 10 ગણી કરી દેતા સુધારો અમલી બનાવી દીધો. એ સાથે જ આખા દેશના વાહન ચાલકો ખળભળી ઉઠયા. સંખ્યાબંધ રાજય સરકારે પણ ટ્રાફિક નિયમભંગના દંડની રકમમાં 10 ગણો વધારો કરવાની ના પાડી દીધી. અચાનક દંડની રકમ 10 ગણી કરી દેનાર. વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરીને પૂછવામાં આવ્યું કે નાણાભંડોળ ઉભું કરવા નાગરિકોને આ રીતે દંડાય ? ત્યારે એમણે જવાબ આપ્યો તેમણે કહ્યું દંડ ઉઘરાવો તે અમારું ધ્યેય નથી. લોકોને શિસ્તમાં લાવવું અમારું ધ્યેય છે.
હું તો કહું છું. ટ્રાફિકના નિયમોનું ચોકસાઇથી પાલન કરો. એક પૈસાનોય દંડ નહીં ભરવો પડે !
નીતિન ગડકરીની વાત ખૂબ સરસ છે, અને સાચી પણ છે. તરત ગળે ઉતરી જાય એવી સરળ છે. છતાં એમની સલાહનો અમલ કરવો શકય નથી. કોઇ કરવા ધારે તો પણ સો ટકા કરી શકે એમ નથી. આજે આપણા દેશનાં લગભગ તમામ મહાનગરોની સ્થિતિ એવી છે કે રસ્તાઓની કેપેસીટિ કરતાં અનેકગણા વધારે વાહનો રોડ ઉપર ફરી રહ્યાં છે. હિસાબ માંડીએ તો દર કિલોમીટર રસ્તા દીઠ 50 વાહન થાય છે. દર સો મીટર ના અંતરમાં પાંચ વાહન આ તો સરેરાશ આંકડો છે. બધાં વાહન આ દરે ફેલાયેલાં નથી. મહાનગરોમાં દર કિલોમીટર રસ્તા પર વધારે વાહનો છે અને નાનાં ગામોમાં સંખ્યા ઓછી છે. નાના ગામોમાં માનો કે દર કિલોમીટરે માત્ર પાંચ વાહન હોય તો ત્યાં ટ્રાફિકની સમસ્યા ન થાય. સરેરાશ પ0 ની હોય તો પણ ખાસ સમસ્યા ન થાય. મહાનગરોમાં આંકડો દશ ગણો આવે છે. અને એજ સમસ્યાનું મુળ છે. મુંબઇમાં દર કિલોમીટર રોડ દીઠ 510 વાહનો છે, પૂણેમાં દર કિલોમીટરે 359 વાહનો છે, કોલકતામાં દર કિલોમીટરે 319 અને ચેન્નાઇમાં દર કિલોમીટરે 297 વાહનો છે. અમદાવાદમાં 150, બેંગ્લોરમાં 149 અને દિલ્હીમાં 108 વાહનો દર કિલોમીટરે દોડતાં રહે છે. સ્વાભાવિક છે કે આટલાં બધાં વાહનો રસ્તાઓ ઉપર દોડતાં હયો તો દરેક રસ્તા પર ટ્રાફિક ભરચક રહે છે. બધાં વાહનો એ ધીમાં ચાલવું પડે છે. એકાદ વાહન જરાય આડુંઅવળું થાય તો તરત ટ્રાફિક જામ સર્જાઇ છે. અત્યારે મોટાભાગના મહાનગરોની સ્થિતિ એવી છે કે જો ટ્રાફિકના બધા કાયદાઓનું પાલન કરવામાં આવે તો એક સ્થળથી બીજા સ્થળે પહોંચવામાં ડબલ ટાઇમ જાય. મુંબઇની બેસ્ટ બસનું જ ઉદાહરણ લઇએ તો 2008 માં બેસ્ટની બસ મુંબઇના ટ્રાફિકમાં કલાકના સરેરાશ 16 કિલોમીટરની સ્પીડથી દોડી શકતી હતી. આજે એ બસ કલાકના સરેરાશ માંડ 9 કિ.મી. સ્પીડ પર ચાલી શકે છે. ઓછી સ્પીડે વાહન ચલાવાથી બળતણ વધારે વપરાય છે. ટ્રાફિક જામમાં ઊભા રહેવું પડે એમાં વધારાનું બળતણ વપરાય છે. ટ્રાફિક સિગ્નલ પર વાહનનું એન્જિન બંધ કરી દેવામાં આવે તો એટલું પેટ્રોલ, ડિઝલ કે ગેસનો વપરાશ ઓછો થાય, પરંતુ એન્જિન ફરી ફરીને જયારે ચાલુ કરવામાં આવે ત્યારે આ વધારાનું બળતણ ફૂંકે છે, એના કારણે સરવાળે ખર્ચ તો વધી જ જાય છે. ટ્રાફિકની દશા એવી છે કે મહાનગરોમાં દરેક રોડ પર વાહન ચાલકોને સરેરાશ ચાર પાંચ ટ્રાફિક સિગ્નલ તો આવે જ છે. ટ્રાફિક સિગ્નલ ચાલુ બંધ થવાનો સમય એવો હોવો જોઇએ કે એક સિગ્નલ ઉપરથી છૂટેલાં વાહનોને આગળ બીજું કોઇ સિગ્નલ નડે નહીં એ વાહન દરેક સિગ્નલ પર ગ્રીન લાઇટના સમયમાં જ પસાર થતું જાય. આવું થઇ શકે, અને સેન્સિબલ ટ્રાફિક ક્ધટ્રોલ કહે છે. પરંતુ એવું થતું નથી. એટલે સડસડાટ ચાલવો જોઇએ. એ ટ્રાફિકની અટકી અટકીને ચાલતો રહે છે. એને કારણે કામના કલાકો બગડે છે. અને બળતણનો વપરાશ વધે છે. એનો સરવાળો 1.5 લાખ કરોડ નો થાય છે. આનો અર્થ એ થયો કે વધારાનો દંડ ભર્યા વગર આપણે બધા 1.5 લાખ કરોડ તો ટ્રાફિકના કારણે વધારાના ભોગવી જ રહ્યા છીએ. હવે આ દસગણો દંડ વધારો પડતા ઉપર પાટુ જ સાબિત થઇ શકે. પડતાને પાટુ મારવાને બદલે ટ્રાફિક સરળતાથી ચાલતો રહે એવી રીતે રસ્તાઓ બનાવવા જોઇએ. તંત્ર તરફથી રસ્તાઓ અવારનવાર પહોળા કરવામાં આવે છે. ફલાયઓવર બનાવવામાં આવે છે. આ બધા ઉપાય ટ્રાફિક સરળતાથી ચાલતો રહે એ દિશામાં જ છે, પરંતુ એમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી દશા છે. આપણા દેશમાં 2018 માં 73,632 નવા વાહનો રોડ ઉપર આવતા રહ્યા હતા. એક રોડ પહોળો કરતા એકાદ મહિનો લાગી જાય છે. એટલા દિવસમાં તો 22,08,960 નવાં વાહનો રોડ ઉપર આવી જાય છે. એક ફલાય ઓવર બનતાં ઓછામાં ઓછાં બે વર્ષ સહેજે લાગી જાય છે. એટલા સમયમાં તો 5.30 કરોડ નવા વાહનો રોડ ઉપર વિકસાવવાનું કામ અશકય બનતું જાય છે. એટલે ટ્રાફિકની સમસ્યા ઉકેલાતી જ નથી.
ટ્રાફિકની સમસ્યા ઉકેલવાનો એકમાત્ર ખાતરીનો માર્ગ છે, વાહનોના વેચાણ ઉપર રેશનિંગ કરવાનો ! કોઇપણ કંપની દર મહિને એક ચોક્કસ સંખ્યાથી વધારે વાહન વેંચી ન શકે એવો કાયદો બનાવવામાં આવે તો ધીમે ધીમે સમસ્યા ઉકેલી શકાય. બીજો રસ્તો છે, જેની પાસે એક વાહન હોય તેને બીજું વાહન ખરીદવાની પરવાનગી ન આપવાનો જો કે એવો કાયદો અશકય છે. એક વાત નકકી સમજાય છે જયાં સુધી રોડ રસ્તા ઉપર રોજ રોજ ઠલવાતાં હજારો વાહનો ઉપર બ્રેક નહીં લાગે ત્યાં સુધી તો ટ્રાફિકની સમસ્યા ઉકેલાવાની નથી.
આ સમસ્યા માત્ર ભારતની નથી !
એવું નથી કે આ સમસ્યા માત્ર આપણા દેશમાં જ છે. વધતા ઓછા અંશે આખા વિશ્ર્વનાં મહાનગરોમાં પણછે. સિંગાપોર માં તો 10 ટકા વસ્તી પાસે કાર છે છતાં શહેરમાં પ,73,000 કાર થઇ ગઇ છે. એ ટ્રાફિકની નિતનવી સમસ્યાઓ સર્જી રહી છે. આ દેશમાં સમસ્યાના ઉકેલ માટે આરસી બુક બનાવવા માટે કિંમતના 20 ટકા અને આરટીઓ સર્ટિફીકેશન ફી 100 થી 180 ટકા કરી દેવામાં આવી છે.
જયારે બીજીંગ ચીનમાં 66 શહેરોમાં 10 લાખ કાર છે. 11 શહેરોમાં 30 લાખ કાર છે. રાજધાની બીજીંગમાં પ0 લાખ કાર છે. અહીં હવે નવી કારને માન્યતા આપવાનું બંધ કરવામાં આવ્યું છે. બેંગકોક : શહેરમાં કાર અને મોટરસાઇકલની સંખ્યા 1 કરોડે પહોંચી છે. વડાપ્રધાને લોકોને કાર ન ખરીદવા અપીલ કરવી પડી છે. અહીંના રસ્તાઓ ઉપર ટ્રાફિક ગોકળગાયની ગતિએ ચાલતો રહે છે.