



કોરોનાને લીધે સતત બીજા વર્ષે સ્કૂલો રેગ્યુલર શરૂ થઈ નથી અને ત્રીજી લહેરના ભય વચ્ચે હજુ પણ દિવાળી સુધી પ્રાથમિક સ્કૂલો ખુલે એમ જ નથી ત્યારે ફી ઘટાડા માટે વાલીઓમાં ઉગ્ર માંગ ઉઠી છે.
સંચાલકો સામે દબાયેલી સરકાર ફી ઘટાડા માટે લેખિતમાં કોઈ ઓર્ડર કે ઠરાવ કરતી નથી અને બીજી બાજુ સંચાલકો ફી ઘટડાવા તૈયાર નથી ત્યારે હાલ વાલીઓ સરકાર અને સંચલાકો ફસાયા અને વધતી મોંઘવારી વચ્ચે ફીના ડબલ મારથી આર્થિક ભીંસમાં મુકાયા છે.
કોરોનાની પ્રથમ લહેરમાં ગત વર્ષે નેશનલ લોકડાઉનને પગલે રાજ્ય સરકારે સ્કૂલોની ફીમાં 25 ટકાનો ઘટાડો કર્યો હતો.શૈક્ષણિક વર્ષ 2020-21 માટે કુલ ફીમાં 25 ટકા ઘટાડવામા આવી હતી પરંતુ વાલીઓએ 50 ટકા ફી ઘટાડાની માંગ કરી હતી
અંતે સરકાર સંચાલકો પાસે માંડ 25 ટકા ફી ઘટાડો કરાવી શકી હતી.ગત વર્ષે 11 જાન્યુઆરીથ 18 માર્ચ સુધી માંડ બે મહિના ધો.9થી12ની સ્કૂલો શરૂ થઈ હતી અને તે પણ મરજીયાતપણે હતી અને ધો.1થી5માં તો એક પણ દિવસ ખુલી નથી ત્યારે કોરોનાની બીજી લહેરને પગલે ચાલુ વર્ષે પણ હજુ સ્કૂલો શરૂ થઈ શકી નથી .
શૈક્ષણિક વર્ષ 2021-22 શરૂ થયાને એક મહિનો થવા આવનાર છે ત્યારે ફરી એકવાર ફી ઘટાડાની ઉગ્ર માંગ ઉઠી છે. રાજ્યના તમામ મોટા શહેરો-નગરોમાં વાલીઓ દ્વારા ફી ઘટાડાની માંગ કરાઈ છે ત્યારે તાજેતરમાં સરકારે 25 ટકાનો ફી ઘટાડો આ વર્ષે પણ ચાલુ રહેશે તેવુ નિવેદન આપ્યુ હતુ
પરંતુ જેની સામે સંચાલક મંડળે ઉગ્ર વિરોધ કરતા કોર્ટમાં જવાની ચીમકી આપી હતી.આમ ફરી એકવાર સંચાલકો સામે દબાઈ ગયેલી સરકાર હવે લેખિતમાં કોઈ પણ ઓર્ડર કે ઠરાવ કરવા તૈયાર નથી તો બીજી બાજુ સંચાલકો પણ ફી ઘટાડો કરવા તૈયાર નથી.જેથી હાલ તો વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ફી ભરવા મજબૂર બન્યા છે.
વાલીઓની ફરિયાદ છે કે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા નથી અને ઓનલાઈન શિક્ષણ સિવાયની એક પણ સર્વિસનો ઉપયોગ કરતા નથી ત્યારે સ્કૂલોને લાઈટબીલ, મેઈન્ટેનન્સ અને અન્ય ખર્ચામાં ઘણી રાહત થઈ અને અધુરામાં પુરૂ સ્કૂલો પુરી લીધા બાદ પણ સરકાર પાસે ટેકસમાં રાહત માંગે છે તો પછી ફી ઘટાડો કેમ કરાતો નથી.વાલીઓની ફરિયાદ છે કે સ્કૂલો કોરોનામાં પણ ફીમાં નફો કરવા માંગે છે .
શિક્ષકો અને સ્ટાફના પગાર માટે 50થી75 ટકા ફીમાં તમામ ખર્ચ પુરા થઈ જાય પરંતુ તેમ છતા સ્કૂલો ફી ઘટાડતી નથી.જો કે ઘણી સામાન્ય સ્કૂલોએ ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં કેટલીક સ્કૂલોએ ફીમાં રાહત આપી છે