



અમુલ ડેરીએ ગઈકાલે દૂધના ભાવ વધાર્યા બાદ હવે આજે રાજકોટની તમામ ખાનગી ડેરીઓએ પણ દૂધમાં પ્રતિ લીટર દીઠ રૂા.૨નો ભાવ વધારો કરતા શહેરીજનોને મોંઘવારીનો વધુ એક ડામ લાગ્યો છે. રાજકોટ ડેરી મર્ચન્ટસ એસોસીએશનના પ્રમુખ વી.પી.વૈષ્ણવે આજે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની ખાનગી ડેરીઓમાં આજથી દૂધમાં પ્રતિ લીટર દીઠ રૂા.૨, દહીંમાં પ્રતિ કિલો દીઠ રૂા.૫ અને મીઠાઈમાં પ્રતિ કિલો દીઠ રૂા.૨૦નો ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે અને તેનો અમલ પણ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે.
વધુમાં રાજકોટ ડેરી મર્ચન્ટસ એસોસીએશનના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, કાળઝાળ મોંઘવારીના યુગમાં માલધારીઓને બે છેડા ભેગા થતાં ન હોય તેમને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે દૂધ, દહીં અને મીઠાઈના ભાવમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેયુ હતું કે, રાજકોટ શહેરમાં કુલ ૫૨૫ જેટલી ખાનગી ડેરીઓ આવેલી છે અને તેમાંથી દરરોજ ૨.૨૫ લાખ લીટર દૂધનું વેચાણ થાય છે. રાજકોટ શહેરની દૂધની દૈનિક જરૂરીયાત કુલ ૫.૫૦ લાખ લીટર છે. જયારે ખાનગી ડેરીઓમાંથી ૨.૨૫ લાખ લીટર દૂધ વેચાય છે તે ઉપરાંત અમુલ સહિતની અન્ય સહકારી અને ખાનગી મોટી ડેરીઓમાંથી ૩.૨૫ લાખ લીટર દૂધ વેચાય છે.