



સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ 19 જુલાઇથી 13 ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસું સત્ર યોજવાની ભલામણ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંસદનાં ચોમાસા સત્રની તારીખો નક્કી કરવા માટે ગત સપ્તાહે સમિતિની બેઠક મળી હતી, પરંતુ આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અંતિમ મંજૂરી હજુ સુધી મળી નથી.
સૂત્રોનાં જણાવ્યા મુજબ સંસદનાં આ સત્રમાં 20 કાર્યકારી દિવસો હશે અને સરકાર તેમાં ઘણાં બિલ રજૂ કરી શકે છે. આ દરમિયાન, વિપક્ષ કોવિડ -19 નાં ‘ગેરવહીવટ’ અને કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ સાથે ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવી શકે છે. આ દરમિયાન સંસદના બજેટ સત્રમાં અગાઉ જોવા મળ્યા મુજબ સંસદ પરિસરમાં કોવિડ -19 સંબંધિત તમામ પ્રોટોકોલોનું પાલન થવાની સંભાવના છે.
કોવિડ – 19 ના ચેપને રોકવા માટે દેશમાં જોરશોરથી રસીકરણ અભિયાનને ધ્યાનમાં રાખીને, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સંસદમાં પહોંચતા તમામ લોકોને રસીની ઓછામાં ઓછી એક ડોઝ મળી હોવી જોઇએ. અત્રે એ ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસું સત્ર સામાન્ય રીતે જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં શરૂ થાય છે અને સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) પહેલા સમાપ્ત થઇ જાય છે.