



વિસાવદર તાલુકાના લેરીયા ગામે આમ આદમી પાર્ટીના નેતાઓનો જનસંવેદના કાર્યક્રમ હતો એમાં આગેવાનો અને નેતાઓ પહોંચે તે પહેલાં લેરિયા ગામમાં જ આપના નેતાઓ ઉપર ૩૦થી ૪૦ લોકોના ટોળાએ પથ્થરો, લાકડીઓ, લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં એક કાર્યકર્તા ગંભીર ઇજાગ્રસ્ત બનતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યારે ત્રણથી ચાર ફોરવ્હીલ વાહનના કાચ તોડી નાખવામાં આવ્યા છે. ભાજપ દ્વારા પૂર્વયોજિત કાવતરું રચી હુમલો કરવામાં આવ્યો હોવાનોે આમ આદમી પાર્ટીના નેતાઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ અને ગોપાલ ઇટાલીયા જૂનાગઢ જિલ્લાનાં પ્રવાસે છે ત્યારે આજે સાંજના સાત વાગે વિસાવદરના લેરિયા ગામે જનસંવેદના કાર્યક્રમ હતો. જેમાં ભાજપના અગ્રણી અને ભેંસાણના સરપંચ સહીતના અન્ય ગામના સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા. તે કાર્યક્રમ અંતર્ગત આજે સાંજના સમયે મહેશ સવાણી અને ઈશુદાન ગઢવી, પ્રવિણ રામ એક ગાડીમાં લેરિયા જતા હતા તેની સાથે અન્ય દસેક ગાડીઓનો કાફલો હતો પરંતુ લેરિયા ગામમાં પહોંચે ત્યાં જ ૩૦ થી ૪૦ શખ્સોના ટોળાએ લોખંડના પાઇપ, લાકડી અને પથ્થરો વડે હુમલો કરવાનું શરૂ કર્યું જેથી તમામ ગાડીઓનો કાફલો કાર્યક્રમ સ્થળે જવાને બદલે પરત ફરી ગયો હતો.
આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ અગાઉ સાધુ-સંતો અને હિંદુ સંસ્કૃતિ વિરુદ્ધ કરેલા વાણી વિલાસને લઈ વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે વિસાવદર બ્રહ્મ સમાજ દ્વારા ગોપાલ ઇટાલીયાનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ લેરિયાના કાર્યક્રમમાં હજુ ગોપાલ ઇટાલીયા પહોંચે તે પહેલાં જ તેના કાર્યકરો અને નેતાઓને હુમલાનો ભોગ બનવું પડયું હતું.જેમાં ભેસાણના હરેશભાઈ સાવલિયા નામના આમ આદમી પાર્ટીના કાર્યકરને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે વિસાવદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બ્રહ્મ સમાજના વિરોધ કાર્યક્રમ અંગે એક અગ્રણીએ જણાવ્યું કે બ્રહ્મ સમાજ માત્ર ગોપાલ ઇટાલીયાનો વિરોધ કરવાનું હતું પરંતુ બ્રહ્મ સમાજની આડમાં અન્ય ગુંડા અને લુખ્ખા તત્વોએ સમગ્ર ઘટનાને અંજામ આપી દીધો છે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપ દ્વારા સમગ્ર હુમલો કરવામાં આવ્યો છે અને તેના ગુંડા તત્વો મોકલી અગાઉ પૂર્વયોજિત કાવતરું રચી હિચકારો હુમલો કરવામાં આવ્યો છે.
લેરીયામાં હુમલાની ઘટનાનાં પડઘા દિલ્હી સુધી પડયા
‘આપ’નેતાઓ પર હુમલો જ સાબિત કરે છે કે ગુજરાતમાં કોઈ સલામત નથી: કેજરીવાલ
દિલ્હીનાં મુખ્યમંત્રીએ રુપાણી સાથે વાત કરીને તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માગણી ઉઠાવી