ઇશ્વરનો આભાર માનતા નથી
Aastha Magazine
ઇશ્વરનો આભાર માનતા નથી
એક્સકલુઝીવ સોશ્યિલ સ્ટોરી

ઇશ્વરનો આભાર માનતા નથી તો ફરિયાદ પણ કરવાનો અધિકાર નથી

દરરોજ રાત્રે નિંદરની સવારી પર સવાર થઇ ટમટમતા તારલા સમા અનેક ચળકતા સપનાઓ આપણી બંધ આંખોના પોપચાં પર લેન્ડીંગ કરીને અજવાળું પાથરતા હોય છે.અને સવારના સૂર્યોદયના સોનેરી કિરણો સાથે આપણે તે સોનેરી સપનાઓને મહેનત અને મહત્વકાંક્ષાનું ભાથું લઇને સાકાર કરવા નીકળી પડતા હોઇએ છીએ. આપણે અંંત વિનાના સપનાઓ, ઇચ્છાઓ, આકાંક્ષાઓના પહાડ પર સતત ચડતા જ રહીએ છીએ. કેમ કે, આપણે જાણીએ છીએ અને માનીએ છીએ કે, સ્કાય ઇઝ ધ લિમિટ.. આ આકાંક્ષાઓ, ઇચ્છાઓ, સપનાઓ જ જિંદગી જીવવા માટેનો જુસ્સો પૂરો પાડતા હોય છે, ઉત્સાહ પૂરો પાડતા હોય છે. પણ સમસ્યા એ છે કે કયારેક આપણે આપણી જિંદગી જીવવા માટેનો જુસ્સો પૂરો પાડતા હોય છે, ઉત્સાહ પૂરો પાડતા હોય છે. કયારેક આપણે આપણી જિંદગીની સફરમાં આભાર માનવા પૂરતા પણ રોકાતા નથી, સંજોગોવસાત જયારે નિષ્ફળતા, દુ:ખ કે નિરાશા જેવા કારણોસર આપણને જિંદગીની આ સફરમાં રોકવાની ફરજ પડે છે, ત્યારે આપણી પાસે હોય છે માત્ર ને માત્ર ફરિયાદો.
ખબર નહીં કેમ ? આપણી પાસે જિંદગી પ્રત્યે, ઇશ્ર્વર પ્રત્યે, આપણા પ્રત્યે, આપણા સંબંધો પ્રત્યે ફરિયાદોનું મોટું બધું લિસ્ટ હોય છે. પણ જયારે આભાર માનવાની વાત આવે ત્યારે આપણે પાસે શબ્દો ખુટી પડે છે ? અક્ષરો શોધવા જવા પડે છે ? જો આપણે દુ:ખ કે નિષ્ફળતાની પળોમાં તરત ફરિયાદ કરીએ છીએ તો સુખ, સફળતા કે ખુશીની પળોમાં આભાર માનવાનું કેમ ભૂલી જઇએ છીએ ? અથવા તો જે તે બાબતને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇને આભાર માનવું જરૂરી નથી સમજતા.
આપણી આ જિંદગીની સફરમાં બધું જ અનઅપેક્ષિત અને ટૂંક સમય માટેનું જ હોય છે. આપણે રાત્રે સુઇએ છીએ ત્યારે સવારે ઊઠીશું કે નહીં એની પણ આપણને ખબર નથી હોતી, અરે ! હાલની સેક્ધડ પછીની સેક્ધડમાં શું બનવાનું છે ? એની પણ આપણને કયાં જાણ હોય છે ? અને પરિવર્તન એ તો સંસારનો નિયમ છે, એક શ્ર્વાસ જયારે છોડીએ છીએ ત્યારે જ બીજો શ્ર્વાસ લઇ શકાય છે. એ જાણવા છતાં જયારે કશુંક આપણી અપેક્ષાઓ પ્રમાણે નથી થતું કે કશુંક ગમતું આપણાથી છીનવાઇ જાય, આપણાથી દૂર થઇ જાય ત્યારે આપણે બેબાકળા બની જતા હોઇએ છીએ, એ સમય કાપવો આપણા માટે અસહ્ય થઇ જતો હોય છે. અને પરિણામે આપણી પાસે ફકત ફરિયાદો બચે છે. એક ફરિયાદ બીજી અનેક ફરિયાદોને પોતાની સાથે ખેંચી લાવે છે. અને ફરિયાદના મૂળમાં હોય છે નકારાત્મક લાગણી જે આપણને નકારાત્મકતાથી ભરી દે છે અને નકારાત્મકતા બધું જ ખતમ અને ખરાબ કરી દે છે પછી તે સંબંધ હોય, આપણી જિંદગી હોય કે પછી આપણી માનસિકતા હોય.
નવું વર્ષ માત્ર કેલેન્ડરમાં નવા પાના કે નવા દિવસોની લઇને નથી આવતું પણ આપણી જિંદગીમા નવા સંકલ્પો, નવા સપનાઓ, નવી ઇચ્છાઓ, નવી આશાઓનો અજવાસ લઇને આવતું હોય છે. દર વર્ષની જેમ ગયા વર્ષે પણ આપણે નવા સંકલ્પો અને નવી યોજનાઓ સાથે નવા વર્ષની શરૂઆત કરેલી ત્યારે ભવિષ્યમાં ઘટનારી અનેક અનઅપેક્ષિત ઘટનાઓ આપણા લિસ્ટમાં હતી જ નહીં એમાંની સૌથી મોટી અનઅપેક્ષિત ઘટના એટલે કોરોનાનું આપણી જિંદગીઓમાં આગમન. જેની અસર માત્ર કોઇ એક વ્યકિત, સમૂહ, શહેર કે દેશ પૂરતી માર્યદિત નહોતી, પણ જેણે આખા વિશ્ર્વને ભરડામાં લીધો એવા કોરોનાની અનેક નકારાત્મક અસરો અપણી જિંદીઓ પર પડી.
માન્યું કે કોરોનાએ આપણી જિંદગીની ગાડીઓમાં જોરદાર બ્રેક લગાવી. ઘણું બધું ન બનવાનું બન્યું, જે આજ સુધી નહોતું બન્યું. માન્યું કે ગયા વર્ષે આપણી પર દરિયા જેવડું કોરોનાનું દુ:ખ આવી પડયું પણ દરિયામાં રહેલા મોતી જેવી અમુક સારી બાબતો તો આપણી દરેકની સાથે બની જ હશે ને ? આપણે દરેકે કોરોના માટે અનેક ફરિયાદો કરી પણ આપણા સાથે જે સારી બાબતો બની હોય એના માટે આપણે ઇશ્ર્વરને આપણી જિંદગીને, આપણી જાતને આપણા પોતાનાઓનો આભાર કેટલી વખત માન્યો ? તો ચાલો આ નવા વર્ષનો પ્રારંભ આપણો દરેક શ્ર્વાસ જેમનો ઋણી છે, જેઓ દરરોજ આપણને એક નવી સવારની ભેટ આપે છે એવા પરમકૃપાળુ પરમાત્માનો આભાર માનીને કરીએ અને દિગ્ગજ કવિ રાજેશ વ્યાસ મિસ્કીનની જિંદગીમાં ઉતારવા જેવી આ સુંદર રચના માણીએ :
કૈંકને દુર્લભ છે શ્ર્વાસો જે મફત વહેતી હવા,
શ્ર્વાસ તારાથી સહજ લેવાય છે ? આભાર માન.
કૈંકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં,
ટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન
કૈંકને દ્રષ્ટિ નથી ને કૈંક જોતા ધૂંધળું
આંખોથી ચોખ્ખું તને દેખાય છે ? આભાર માન
જ્ઞાનતંતુની બિમારી ને હૃદયની કોઇને
આ જગત સ્પર્શાય છે ? સમજાય છે ? આભાર માન
કૈંક ઉબાઇ ગયાં છે કૈંક પાગલ થઇ ગયા
જીવવાનું મન પળેપળ થાય છે ? આભાર માન
એક સરખું જો હશે કૈં પણ તો કંટાળી જઇશ
વત્તું ઓછું જો હૃદય હરખાય છે, આભાર માન
જીભના લોચા નથી વળતા ન દદડે આંસુઓ
હોઠ આ ફફડે છે તો બોલાય છે ? આભાર માન
વ્હેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી
આંસુઓ પણ પાંચમાં પુછાય છે, આભાર માન
કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફકત
આજ આ આભાર વશ થઇ જાય છે, આભાર માન
– કવિ રાજેશ વ્યાસ (મિસ્કીન)
છેલ્લી વાત : જો તમે દરેક સ્મિત પછી કયારેય ઇશ્ર્વરનો આભાર માનતા નથી તો પછી તમારા દરેક આંસુ પછી ઇશ્ર્વરને ફરિયાદ કરવાનો કોઇ
હકક્ નથી.

– જાગૃતિ તન્ના
મોરબી-363641
jagrutitannaofficial@gmail.com

Related posts

દુનિયાનો છેડો એટલે ઘર

aasthamagazine

સ્વર્ગની એકેક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ-ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી

aasthamagazine

Speed News – 14/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

વિકાસમાં વાડ શાને? શિક્ષિત વર્ગ હેરાન શાને ? વિદ્યાર્થીઓને કેટ-કેટલા પ્રશ્નો મૂંજવે છે

aasthamagazine

અંધારું પણ ચાખવા જેવી ચીજ છે

aasthamagazine

પ્રેમની શક્તિ અવિરત છે તેમાં દુઃખો સહન કરી લેવાની તાકાત છે : પ્રેમ કર્યો છે ?

aasthamagazine

Leave a Comment