



ગુજરાત સરકાર દ્વારા લોકોને ભૂમાફિયાઓના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ડિસેમ્બર ૨૦૨૦થી આ કાયદાને અમલી બનાવ્યો છે. ત્યારથી લઈને અત્યાર સુધી રાજ્યભરમાં જમીન પચાવી પાડવા અંગેની ૪,૦૦૦થી વધુ ફરિયાદ નોંધાઈ છે. આ તમામ અરજીઓની કુલ મળીને જમીનની કિંમત ૫૬૭ કરોડ રૂપિયાથી વધુ થાય છે. જોકે, જમીનની ૫૬૭ કરોડ રૂપિયાની કિંમત જંત્રી પ્રમાણે નક્કી કરવામાં આવી છે પરંતુ તેની ખરી કિંમત તેનાથી પણ ઘણી વધારે હોઈ શકે છે.
૨૦૨૧ના ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી મે દરમિયાન જમીન પચાવી પાડવાની કુલ ૪,૧૩૮ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ૧૯૬ કેસમાં ૭૨૮ લોકો વિરુદ્ધ એફઆરઆઈ પણ નોંધાઈ છે. અન્ય અરજીઓ તપાસના વિવિધ તબક્કામાં છે. રાજ્યના માહિતી વિભાગના સત્તાવાર રેકોર્ડ પ્રમાણે કુલ ૨૮.૫૫ લાખ સ્ક્વેર મીટર જમીન પચાવી પાડવામાં આવી છે. રાજ્ય સરકારે અત્યાર સુધી ૭૭ કેસમાં સુઓમોટો દાખલ કરી છે.
મહેસૂલ વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારના નવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત આ નવા કાયદાના અમલીકરણ માટે જિલ્લાના સત્તાધીશોને તાલીમ આપવામાં આવી છે. તમામ લોકોને ન્યાય મળે તે માટે ટોચના સ્તરે તમામ અરજીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર જમીન પચાવી પાડવાને લઈને ઓન-લાઈન પણ અરજી સ્વીકારી રહી છે. આ તમામ અરજીઓનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી તેનો કડકાઈપૂર્વક અમલ કરવામાં આવી શકે. નવા કાયદા અંતર્ગત જમીન પચાવી પડનારાને ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજા થઈ શકે છે